લીમડાની લીંબોળી વેચેની બનાસકાંઠા જીલ્લાના લોકો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા 

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

લિમડાની લીંબોળી વેચેની બનાસકાંઠા જીલ્લાના લોકો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા : બનાસકાંઠામાં ભાભર માર્કેટિંગ યાર્ડ, રાજ્યનું એકમાત્ર એવું યાર્ડ છે, જ્યાં લીંબોળીની આવક થાય છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો દર વર્ષે લીંબોળી વીણી ભાભર માર્કેટયાડમાં વેચી સીઝનમાં સારી આવક મેળવે છે.

 

ખેડૂતો ખેતરના શેઢે ઊભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લીંબોળીનો પણ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું ભાભર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોળીથી ઉભરાતું હોય છે. જેમા ખેડૂતો લીંબોળીના ઢગલા ઠાલવતા હોય છે. અહીં દરરોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે. છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે. જેના કારણે ખેડૂતોના ખેતરના શેઢે ઊભેલા લીમડામાંથી આવક મેળવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાભર સૂઇગામ, વાવ,રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળી માંથી પણ આવક મેળવી રહ્યા છે. તેમજ લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે.

 

ભાભર માર્કેટિંગ યાર્ડમાં લીબોળી લઈને આવતા ખેડૂત રામભાઈ જણાવ્યું હતું કે, હું દર વર્ષે લીંબોળીમાંથી આવક મેળવી રહ્યો છું. મારી જેમ અન્ય મહિલાઓ તેમજ યુવાનો હાઈવેની આજુબાજુમાં ઊભેલા લીમડા ઉપરથી ખેતરમાં ઉભેલા લીમડા ઉપર નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરી ભાભર માર્કેટમાં વેચીને 15 થી 20 હજાર રૂપિયા કમાઈ લે છે. જેથી 4 મહિનાનો ખર્ચ આ લીંબોળી કરાવી અપાવે છે. યાર્ડમાં લીંબોળીના સારા ભાવ મળી રહે છે. જેથી નાના-મોટા દરેકને સારી આવક કરાવી આપે છે.

 

ભાભર માર્કેટ માર્કેટ યાર્ડના સેક્રેટરી સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે. ભાભર માર્કેટયાર્ડ લીંબોળીનું હબ ગણાય છે. વરસાદની સીઝન શરૂ થતા જ આ માર્કેટયાર્ડમાં લીંબોળીની આવક શરૂ થઈ જાય છે. જેમાં ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણીને માર્કેટ યાર્ડમાં વેચવા આવતા હોય છે.

દર વર્ષે જૂન અને જુલાઈમાં ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થાય છે. ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં રોજની 1 હજાર બોરી જેટલી આવક થાય છે. તેમજ 350 થી લઈ 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ નોંધાય છે. તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.

 

નાના ખેડૂત અને ગરીબ લોકોને આ લીંબોળીમાંથી આવક થઈ રહી છે. આ ભાભર માર્કેટયાર્ડની લીંબોળી ભારતના અનેક રાજ્યમાં આંધ્રપ્રદેશ કર્ણાટક સહિત સાઉથ વિસ્તારમાં ભાભરની લીંબોળી જાય છે. લીંબોળી માંથી અલગ અલગ કંપનીઓ દ્વારા ખાતર, બ્યુટી પ્રોડક્ટમાં બનાવવા માટે ઉપયોગ થાય છે. જેથી દિવસેને દિવસે લીંબોળી ની માંગ ખૂબ જ વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ લીંબોળીના ભાવ જળવાઈ રહ્યા છે. અત્યારે શરૂઆતમાં દરરોજની 1000 બોરીની આવક નોંધાઈ રહી છે. આગામી સમયમાં આ દરરોજ 10,000 બોરીની આવક નોંધાવાની શક્યતા છે.

 

લીંબોળીનો વેપાર માત્ર આ એક જ માર્કેટમાં થાય છે જે ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું માર્કેટયાર્ડ છે. માર્કેટના વેપારી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ભાભર માર્કેટમાં લીંબોળીની ખરીદી થાય છે અને છેલ્લા 10 વર્ષથી લીંબોળીની ખરીદી કરી વિદેશમાં પણ મોકલે છે. તેમને પોતાની નેકસ્નોલ બાયો સાઈઝ કંપની છે. જેઓ ઇફકો, ક્રિફકો, જી એન એફ. સી, ચેમ્બર ફર્ટિલાઇઝર, IPL જેવી કંપનીમાં ન્યુ ઓઇલ સપ્લાય કરે છે. આ લીંબોળીમાંથી સાબુ બનાવવામાં આવે છે. કોસ્મેટિકની અલગ અલગ ચીજ વસ્તુઓ તેમજ ખેતીમાં પણ ઉપયોગ થાય છે. જેથી ખેડૂતોને ખૂબજ લાભ થાય છે. અને ખેડૂતોને પેસ્ટીસાઈડનો ખર્ચ પણ ઓછો થાય છે.

Leave a comment

error: Content is protected !!